Monday, April 14, 2014

ગુલાબમાળાનું રટણ...આપણો સહારો..! - પરમ પૂજ્ય રેવ. બિશપ થોમસ મેકવાન


Photo: Google
ગુલાબમાળાનું રટણ...આપણો સહારો..!

 ધર્મસભા એ તો પ્રભુ ઈસુનું શરીર છે. આપણે તેના અંગો છીએ. જેમ માતા મરિયમે ઈસુનું રક્ષણ કર્યું હતું તેમ આજે પણ ઈસુના શરીર એટલે કે ધર્મસભાનું તે રક્ષણ કરી રહ્યા છે. ઈશ્વરની મુક્તિયોજનામાં માતા મરિયમનું સ્થાન આગવું છે અને એટલે જ કેથોલિક ધર્મસભા તેમને પુષ્કળ માન આપે છે અને તેમની ભક્તિ પણ કરે છે. કેથોલિકો પાસે ગુલાબમાળા રૂપી અધ્યાત્મિક ખજાનો પડેલો છે જે તેનું રક્ષણ કરે છે એમાં કોઈ શંકા નથી.
૧૫મી સદીમાં માતા ધર્મસભાનું વિભાજન થયું હતું જયારે માર્ટીન લ્યૂથરે કેથોલિક ધર્મસભાનો વિરોધ કરી ઘણાંને ધર્મસભાથી દુર કર્યા હતાં. બીજી બાજુ કેથોલિક દેશોમાં પણ એકતા નહોતી. આવા કારણોને લીધે તુર્કીસ્તાને યુરોપની ધર્મસભાને ગરક કરવાની તૈયારીઓ શરુ કરી. જો તેઓની જીત થાય તો યુરોપમાં ફેલાયેલો ખ્રિસ્તી ધર્મ અને તેની સંસ્કૃતિનો નાશ થાય તેવી પરિસ્થિતિ સર્જાત. યુરોપ ઇસ્લામિક બની જવાની આરે હતું. તુર્કીઓએ  દરિયાઈ માર્ગે ચડાઈ કરવાની શરૂઆત કરી.
ત્યારના વડા ધર્મગુરુ પિયુષ પાંચમાં જાણતા હતા કે ધર્મસભામાં વિખવાદો હતા અને કેથોલિક દેશો વચ્ચે પણ દુશ્મનાવટ હતી જેનો લાભ તુર્કીસ્તાન લઇ લેશે. ખતરાનો સામનો કરવા તેમણે ઓસ્ટ્રિયાના ડોન યુહાનને આગેવાની સોંપી અને ધર્મજનોને આહવાન કર્યું કે ગુલાબમાળાનું રટણ કરવું. એકે-એક કુટુંબમાં ગુલાબમાળાનું રટણ શરુ થયું.
૭મી ઓક્ટોબર, ૧૫૭૧ના રોજ લેપાંટો બાજુથી ઝેહાદીઓએ દરિયાઈ માર્ગે આક્રમણ શરુ કર્યું. તુર્કીઓ પાસે ૩૨૮ લડાઈ જહાજો હતાં તથા ૭૭,૦૦૦ સૈનિકોનો કાફલો હતો, જેની સામે ડોન યુહાન પાસે માત્ર ૨૦૬ જહાજો અને ૨૮,૦૦૦ સૈનિકો હતાં. તુર્કીઓની શક્તિની દ્રષ્ટિએ જોતા તેમની જીત નિશ્ચિત હતી. આખા દિવસ દરમ્યાન  દરિયામાં લડાઈ ચાલી અને સાંજ સુધીમાં તુર્કીઓની સખ્ત હાર થઇ જેના લીધે યુરોપ બચવા પામ્યું અને ખ્રિસ્તી ધર્મ મજબુત બન્યો! પોપ પિયુષ પાંચમાં બરાબર રીતે જાણતા હતા કે જીત ગુલાબમાળાની રટણાથી જ થઇ હતી. તે દિવસથી માતા મરિયમ, ગુલાબમાળાની રાણીનો તહેવાર ઉજવાતો આવે છે.
at Mirzapur - Ahmedabad
 વર્ષો પછી માતા ધર્મસભા જોખમમાં આવી. ૧૯૧૭માં લેનિને સામ્યવાદી સિદ્ધાંતો દ્વારા રશિયામાંથી લોકોની સ્વતંત્રતા છીનવી લીધી, દેવળો ખાલી કરી નાખ્યા અને તેમને સરકારી કચેરીઓ, રહેણકીય વપરાશ માટે કે મ્યુઝીયમમાં ફેરવી નાખ્યા. ખ્રિસ્તી ધર્મ દબાવી દેવામાં આવ્યો. પરંતુ જીવના જોખમે પણ લોકો છૂપી રીતે ધર્મ પાળતા રહ્યા. જે લોકો પકડાઈ જતાં તેમને બર્ફીલા પ્રદેશ સાઈબીરીયામાં કાળી મજૂરી કરવા ધકેલી દેવામાં આવતા જ્યાં અકાળે તેમનું મૃત્યુ થતું.
તે જ વરસે ૧૩મે, ૧૯૧૭નાં રોજ પોર્ટુગલનાં નાનકડા ગામ ફાતિમા ખાતે માતા મરિયમે ત્રણ ભૂલકાંઓને ઓક્ટોબર મહિના સુધી દર મહિનાની ૧૩મી તારીખે દર્શન દીધાં. માતા ધર્મસભાએ પૂર્ણ તપાસ પછી આ ઘટનાને બહાલી આપી છે. બાળકોને ગુલાબમાળાનું રટણ કરવા પર માતા મરિયમ ભાર મૂકે છે. અને ખાસ કરીને રશિયાના  હૃદયપલટા માટે  પ્રાર્થના કરવા અનુરોધ કરે છે. લોકોએ પ્રાર્થનાઓ શરુ કરી જેના પરિણામરૂપે ૧૯૯૦માં સામ્યવાદી રાજ્યનું પતન થયું અને દેવળો ખૂલી ગયાં અને લોકોને સ્વતંત્રતા પછી મળી. જે ગઢ તૂટે તેમ ન હતો, તે કડડભૂસ કરતો તૂટી પડ્યો! માતા મરિયમે હસ્તક્ષેપ કર્યો અને યુરોપના પૂર્વીય રાજ્યોને બચાવી લીધા.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રશિયાએ કેથોલિક ઓસ્ટ્રિયા પર હુમલો કરીને એને હડપ કરી લીધું. ત્રણ વરસ સુધી એમની હકુમત નીચે લોકોને ઘણું સહન કરવું પડ્યું. એવા સમયે ફ્રાન્સિસ્કન ધર્મગુરુ પેતૃસને લેપાંટોની લડાઈ યાદ આવી. તેમણે લોકોને ગુલાબમાળાનું રટણ કરવા હાકલ કરી. ઓસ્ટ્રિયાનાં ૭,૦૦,૦૦૦ લોકોમાંથી ૭૦,૦૦૦ એ  ગુલાબમાળાનું રટણ શરુ કર્યું, જેથી રશિયન સૈન્ય ત્યાંથી જતું રહે. વાસ્તવમાં એ સૈન્ય હટી જાય એમ ન હતું, કારણ કે ભૌગોલિક રીતે ઓસ્ટ્રિયા યુરોપમાં મહત્વનું સ્થાન ધરાવતું હતું. તથા અઢળક ખનીજોના ભંડારોથી એ દેશ સમૃદ્ધ હતો અને ખનીજતેલનો મોટો જથ્થો ધરતીના પેટાળમાં હતો. થોડા જ સમયમાં કોઈ પણ કારણ આપ્યા વગર ૧૩મી મે, ૧૯૫૫ના રોજ (ફાતિમા ખાતે માતા મરિયમે આપેલા પ્રથમ દર્શનની તિથિના દિવસે) કોઈ પણ પ્રકારની ખૂન-ખરાબી વગર રશિયાએ પોતાના સૈન્યને પાછુ બોલાવી દીધું! ઈતિહાસકારોને પણ નવાઈ લાગી કે આમ બને જ નહિ, પણ કેથોલિકો માટે માતા મરિયમે ઓસ્ટ્રિયાને બચાવી લીધું.
દુનિયાનો સૌથી મોટો કેથોલિક દેશ બ્રાઝીલ ૧૯૬૨ની સાલમાં સામ્યવાદ તરફ હડસેલાઈ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. ત્યાંનો સરમુખત્યાર પ્રમુખ સામ્યવાદી બળોને બ્રાઝીલ દેશ સોંપવાની તૈયારીમાં હતો. આ ખતરનાક પરિસ્થિતિનો સામનો કરવા એ અરસામાં ડોના અમીલ્યા બાસ્તોસ નામની સ્ત્રીએ ગુલાબમાળાનું રટણ કરતી સ્ત્રીઓની  એક ખાસ સાંકળ બનાવી. તેમનો એક જ આશય હતો કે ગુલાબમાળાનું રટણ કરવાથી માતા મરિયમની સહાય મળે. સાવ પાઉલો (Sao Paulo) શહેરમાં એક સાથે  ૬ લાખ બહેનો ગુલાબમાળાનું રટણ કરતી રસ્તા ઉપર ઉતરી આવી જેના પરિણામરૂપે બ્રાઝીલના  પ્રમુખને દેશ છોડી ભાગી જવું પડ્યું અને બ્રાઝીલ સામ્યવાદી બળોથી બચવા પામ્યો! માતા મરિયમ બ્રાઝીલની સહાયે આવ્યાં!
 એશિયાખંડનો માત્ર કેથોલિક દેશ એટલે ફિલીપાઇન્સ દેશ. પ્રમુખ માર્કોસ સરમુખત્યારશાહી દ્વારા દેશનું સંચાલન કરતો હતો અને પોતાનાં ખિસ્સા ભારે કરતો હતો. તેને હટાવા માટે લોકોએ હામ ભીડી. લોકોએ ગુલાબમાળાનો સહારો લીધો. ફેબ્રુઆરી ૧૯૮૬માં લાખો ફીલીપીનીઓએ ગુલાબમાળાના સરઘસમાં ભાગ લીધો, સાથે પ્રાર્થના કરી અને લાવેલા ખોરાકની એકબીજા સાથે વહેચણી કરી.
 વિક્ષેપ વગર એકે-એક ગલીમાં ગુલાબમાળાનું રટણ ચાલતું હતું. લોકોની સામે આવી રહેલી ટેન્કો, હથિયાર સાથે આવી રહેલા સૈન્ય સાથેના વાહનો તથા જમીન પર ઉતરી રહેલા લડાયક હેલીકોપ્ટરની સામે લોકો ગુલાબમાળાનું રટણ કરતાં કરતાં સામનો કરે છે. આ બધાં સમય દરમ્યાન લોકો માતા મરિયમની હાજરીનો અનુભવ કરી રહેલાં. પરિણામ એ આવ્યું કે સૈનિકોએ હથિયાર છોડી દીધા અને લોકો સાથે જોડાઈ ગયા. તાનાશાહીનો અંત આવ્યો અને લોકોને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ. એક પણ ગોળી છૂટ્યા વગર લોકોની જીત થઈ! માતા મરિયમ ફિલીપાઇન્સની મદદે આવ્યા!
આપણો દેશ લોકશાહીના પાયારૂપ ચૂંટણીમાં વ્યસ્ત છે. આપના ગુજરાતમાં બુધવાર ૩૦ એપ્રિલના રોજ ચૂંટણી થશે. આપણે સૌ અવશ્ય મતદાન કરીએ. દેશના બંધારણ મુજબ વર્તી સંકુચિત સાંપ્રદાયિકતા, ભાગલાવાદ અને ધિક્કારના રાજકારણથી દુર રહી ધર્મનિરપેક્ષ સરકાર રચવા કટિબદ્ધ હોય એવા પક્ષના ઉમેદવારને મત આપી આપણી લોકશાહીનું રક્ષણ કરીએ.
ઈશ્વરને માથે રાખીને આ નાગરિક કર્તવ્ય નિભાવવામાં માતા મારિયા ભારતના દરેક નાગરિકને સહાય કરે એ માટે દરેક કુટુંબને ગુલાબમાળાનો જાપ કરવાનો મારો ખાસ અનુરોધ છે.

- બિશપ થોમસ મેકવાન

5 Add comments:

  1. …the Rosary is my Power…It is the weapon which you must make use of in these times of the Great Battle….” It is the chain with which she promises to bind Satan. “Every Rosary which you recite with me has the effect of restricting the action of the Evil One, of drawing souls away from his pernicious influence,” …” and of expanding goodness in my children.”

    Our Lady has shown us that the Rosary can stop wars. In fact, Our Blessed Mother has said that, “we can do more in one day of intense prayer, than years of discussion.” Are we listening? Can we, her children, help Our Lady, mount a massive worldwide prayer and fasting campaign and include Masses of Reparation? Of course we can!

    ReplyDelete
  2. “The Rosary is the most beautiful and richest of all prayers to the Mediatrix of all grace; it is the prayer that touches most the heart of the Mother of God. Say it each day.”

    ReplyDelete
  3. “Pray and let the Rosary always be in your hands as a sign to Satan that you belong to me.”

    ReplyDelete
  4. “Say the Rosary every day to obtain world peace and an end to war.”

    ReplyDelete
  5. Rosary keeps away the temptation from us. It energise to accomplish new tasks. It gives us opportunity to pray for all.

    ReplyDelete


Thank you and stay connected